|| હરિ ૐ તત્સત ||

સિધ્ધ યોગની દિવ્ય પરંપરામાં આપનું સ્વાગત છે.

આ વેબસાઇટની મુલાકાત લેવા બદલ તમારો ખરા હૃદયથી આભાર ..!

તમારી આ મુલાકાત દરમ્યાન તમને આધ્યાત્મિક અને ધ્યાનને લગતા વિવિધ પાસા વિશે જરૂરી જાણકારી મળશે અને તમે સહજ શાતા અનુભવશો એવી અમારી અભ્યર્થના છે.

સિધ્ધ યોગ પરિવારના આ કાર્યમાં પ્રાચીન ઋષિ પ્રણિત જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિનો એક સુભગ સમન્વય થયો છે. આ નવીનતાપૂર્ણ અભિગમ દ્વારા તમે તમારા જીવનને પૂર્ણતાથી માણી શકશો તેવી અમને સહજ ખાત્રી છે.

સિધ્ધ યોગ શું છે?

સિધ્ધયોગ શું તે સમજવા આપણે આ શબ્દને જ ફોડવો પડશે જે બે શબ્દોનો જોડાક્ષર છે, સિધ્ધ અને યોગ.

‘સિધ્ધ’ શબ્દનો સહજ અર્થ છે પ્રમાણિત થયેલ પધ્ધતિ અથવા પરંપરા.

‘યોગ’ શબ્દ એ સંસ્કૃતના ‘યુંજ’ ધાતુ પરથી આવ્યો છે જેનો સૂચિત અર્થ છે વ્યક્તિગત ચેતનાનું જાગતિક ચેતના સાથે જોડાવું.

એટલે સિધ્ધયોગ શબ્દનો અર્થ એમ કરી શકાય કે વ્યક્તિગત ચેતનાને જાગતિક ચેતના સાથે જોડાવા માટેની પ્રમાણિત પધ્ધતિ કે પરંપરા.

કુંડલિની

કુંડલિની એ કરોડરજ્જુ ધરાવતા પ્રાણીમાત્રમાં રહેલ દિવ્ય ચેતના સ્ત્રોત છે.

આધ્યાત્મિક જીવન જીવવા માટે માનવમાત્રને આ દિવ્ય ચેતના ચેતના સ્ત્રોતનું સાચું સ્વરૂપ સમજવું ખુબ જરૂરી છે જેથી કરીને માનવી તેના આધ્યાત્મિક અને સામાજિક જીવનમાં વિકાસ અને સંતુલન સાધી શકે છે.

તમે આ વેબ સાઈટ પર વિવિધ બાબતે ખેડાણ કરશો ત્યારે આ દિવ્ય ચેતના સ્ત્રોતના વ્યવહારુ અને સ્પંદનાત્મક પાસાઓ વિષે પ્રારંભિકથી માંડી પ્રગત પાસાઓ વિશે તમને જરૂર સમજ મળશે

પ્રેરણા સ્ત્રોત

એમ કહેવાય છે કે જીવનમાં સાધકની ચેતનાને ઉર્ધ્વગામી કરી શકે તેવા સદગુરુ મળવા ખુબ જ મુશ્કેલ છે. સદગુરુ વિભાકર પંડયા એ આવા જ એક સદગુરુ છે.

તેમના વિશે ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે સરળતા, તજજ્ઞતા અને માનવમાત્ર પર નિસ્વાર્થ પ્રેમ.

ખરી રીતે સાધકે સદગુરુને નામથી સંબોધિત ના કરવા જોઈએ એવું પ્રાચીન પરંપરામાં ક્હેલ છે. આમ કહેવા પાછળ એ ભાવ છે કે અધ્યાત્મના ગૂઢ વિષયમાં સદગુરુના ગહન અનુભવજન્ય જ્ઞાન ભંડોળમાંથી સાધક કે શિષ્યએ નમ્ર વિવેક દ્વારા ઘણું ગ્રહણ કરવાનું હોય છે.

નવીનતાપૂર્ણ માર્ગ દર્શક

પૂજ્ય વિભાકર પંડયાના પ્રત્યક્ષ સાનિંધ્યમાં આધ્યાત્મિક શિક્ષાને વરેલા  માનનીય  વિશાલ ભાઈ એ સિધ્ધ યોગ સાધન મંડળને એકવીસમી સદીમાં આગળ લઇ જવા મળેલ નૂતન માર્ગ દર્શક છે.

સદગુરુ વિભાકર દાદા ઈ.સ. બે હજાર ને છ માં બ્રહ્મ ચેતનામાં વિલીન થયા છે. તેમના બ્રહ્મલીન થયા પહેલા તેમણે તેમના સંપૂર્ણ અનુભવ અને જ્ઞાન ભંડોળને વિશાલ ભાઈમાં વહેવડાવી દીધી હતી જેથી કરી આવનારી પેઢી આ દિવ્ય જ્ઞાનના વારસાથી વંચિત ના રહે.

ટોરોન્ટો, કેનેડા સ્થિત  વિશાલ ભાઈ સિધ્ધ યોગ સાધન મંડળના વિવિધ આંતર રાષ્ટ્રીય સાધકોને યોગ વિષયક માર્ગદર્શન કરવા  સતત કાર્યશીલ રહે છે. કોઈ પણ સાધક જેને યોગ વિષયક બાબતે કોઈ પ્રશ્ન હોય તે  તેમને વ્યક્તિગત, ફોન કે ઈમેલ દ્વારા મળી શકે છે.

શક્તિપાત એટલે શું?

શક્તિપાત એ ભારતના પ્રાચીન સિધ્ધ યોગીઓ દ્વારા ખોજાયેલ એક અદભુત પધ્ધતિ છે. આ વિધિમાં સિદ્ધ ગુરુ પોતાની વર્ષોની તપશ્ચર્યા દ્વારા અર્જિત શક્તિમાંથી અમૂક અંશ સાધક તરફ વહેવડાવી તેની શક્તિને ઉર્ધ્વ કરી સાધનાકીય અડચણને પાર ઉતરવામાં મહત્વની કડી બને છે. આ પધ્ધતિ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અને સલામત છે. શા માટે આપણે સલામતીની વાત કરી? કારણ યોગના માર્ગે સાધક મૃત્યુ સાથે સહજ રમત કરે છે. જો અનુભવ વિના યોગ માર્ગે ખેડાણ થાય તો સાધક માટે તે એક રીતે જોખમભર્યું પુરવાર થઈ શકે છે.

વર્તમાનમાં યોગની આ પદ્ધતિના જાણકાર હોવાનો દાવો કરનારા કરનારા ઘણાં નજરમાં આવે છે પણ પ્રત્યક્ષ સાધકની શક્તિનું ઊર્ધ્વીકરણ કરવા વાળા સિદ્ધ ગુરુઓ શોધવા એ ઘાસની ગંજીમાંથી સોય ગોતવા સમાન છે.

સિધ્ધયોગ પરંપરાનું સારભૂત શિક્ષણ

સિધ્ધયોગની પ્રાચીન પરંપરા અને વર્તમાન સમયની માંગને સમજીને સિધ્ધ યોગી શ્રી વિભાકર પંડયાજીએ આધ્યાત્મિક માર્ગે ખેડાણ કરી રહેલ સાધકોના લાભાર્થે આત્મ-સાક્ષાત્ત્કાર માટેનો સહજ વૈજ્ઞાનિક માર્ગ તૈયાર કરેલ છે.

આ માર્ગમાં ધ્યાન માર્ગની દીક્ષા જેવી પ્રારંભિક વિધિથી લઈને વિવિધ પ્રગત અને ઉચ્ચ સ્તરીય શિબિરો આવરી લેવામાં આવેલ છે. આ વિધિનો હેતુ સાધકોને સમાજ અને પરિવાર વચ્ચે રહી, અધ્યાત્મ માર્ગે સહજ ખેડાણ કરતાં કરતાં સમાજને પણ ઉપયોગી બની યોગના પવિત્ર અને અમૂલ્ય જ્ઞાનની ગંગા સહજ વહેતી રાખવી એ જ છે.

આ માર્ગ માટે સહજ રીતે સમજાવતાં એમ કહી શકાય કે છ વર્ષના ગાળામાં સાધક નિર્ધારિત અભ્યાસને નિયમિત રીતે કરે તો સ્વ-પ્રયત્ન, ગુરુ-કૃપા, ભગવદ-કૃપાના નિમિત્ત માધ્યમ દ્વારા આત્મ-સાક્ષાતકારની નજીક પહોંચી શકે છે.