|| હરિ ૐ તત્સત ||

ધ્યાન

ધ્યાન આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. અત્યારે માણસ ચોતરફથી દબાણ ( Stress) માં જીવે છે. તેને કેરીયર બનાવવી છે,તેને ફેમિલી નું વેલફેર જોઈએ છે,તેને પોતાનું સ્ટેટસ બનાવવું છે,તેને આર્થિક પ્રગતિ ઝડપથી પ્રાપ્ત કરવી છે. પરિણામ?  માનસિક રીતે ભયંકર દબાણ. તેનું મગજ ચારેબાજુથી ત્રસ્ત થઈ જાય છે જેની અસર શરીર પર પડે છે. ચાલીસ વર્ષની ઉંમર થતાં ડાયાબિટીસ,બીપી અને બીજી ઘણી બધી બિમારીઓનો શિકાર બને છે. કેવળ ધ્યાન જ એવું છે જે તેના મન અને મગજને વિશ્રામ પહોંચાડે છે અને તેને સ્વસ્થ રાખે છે.

હવે જ્યારે તેને ધ્યાનની અગત્યતા સમજાય છે, ત્યારે તે ચારેબાજુ ખંખોળે છે. પથ્થર એટલા પૂજે દેવની જેમ જ્યાં પણ કંઈક તેને ઉપયોગી લાગે,  તે મેળવવાતે પ્રયત્ન કરે છે. આમ દસ જગ્યાએ ફરે છે,  પણ તેને માનસિક સંતાપની જડીબુટ્ટી મળતી નથી. પરિણામ વધારે ડીપ્રેશન. જો આવી વ્યક્તિ નિયમિત ધ્યાન કરે તો મહદઅંશે તેની બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય. જરૂર છે ધ્યાનની સાચી રીત પકડવાની.

સામાન્ય ભાવનાએ છેકે ધ્યાન એટલે એકચિત્ત. હવે જ્યારે એકચિત્તની વાત થઇ એટલે સમજાવનારાઓએ તેને એકાગ્રતા concentration એવો શબ્દ આપી દીધો. ખરેખર ધ્યાન એ એકાગ્રતા નહીં સમગ્રતા છે. જો તમે એકાગ્ર  થાવ તો ૯૯% તમારી દુનિયા લુપ્ત થઈ જાય છે. જ્યારે તમે સમગ્ર એટલે કે એકચિત્ત બનો તો ૧૦૦% તમે જાગૃત રહો છો.તમે સંપૂર્ણપણે સમર્પિત રહો છો.

હવે આપણે જુદી રીતે આ સમજીએ.આપણા શરીરમાં એક એક જગ્યાએ ચેતના વ્યાપ્ત છે.તે એક સાથે પગના અંગુઠા માં પણ છે અને માથામાં પણ છે. જે સતત તેની હાજરીની તમને અનુભુતિ કરાવે છે. એકચિત્ત એટલે આ જે વ્યાપ્ત ચેતના છે તેના પર જોવું.તેની દરેકે દરેક હિલચાલ પર ધ્યાન પરોવવું. ધ્યાનમાં તમે આટલું કરતા શીખી ગયા તો તમે બહુ મોટું કામ કર્યું છે. વળી આ બધું સહજ રીતે પ્રયત્ન વગર કરવાનું છે. એટલે જ પુ વિભાકર દાદાએ ધ્યાનની સમજ આપતા કહેલ છે કે આ છે effortless effort-.સહજ. ટૂંકમાં ધ્યાન એટલે પ્રયત્ન વગરનો પ્રયત્ન. આ પ્રકારે ધ્યાન કરવાથી તમે શતાવધાની બની શકો છો અને જીવનમાં થી સમગ્ર ટેન્શન દૂર કરી શકો છો.

જે સતત તાણમાં રહે છે,જે સતત ડીપ્રેશનમાં રહે છે તેવી વ્યક્તિને જરૂર છે સદ્ ગુરુની.જે તેને સાચી દિશા બતાવે.જે તેને માટે ગમે તે સમયે ઉપલબ્ધ હોય. જે તેની નાનામાં નાની મુશ્કેલીને સાંભળે.જે તેની તુચ્છ માં તુચ્છ તકલીફો ની ચિંતા કરે. શ્રી સિધ્ધયોગ સાધન મંડળ અને તેના    સ્થાપક પુ વિભાકર દાદા અને હાલના ગુરુ શ્રી વિશાલભાઈ આ જ વસ્તુ સમજી અને સાધકને ડીપ્રેશનમાંથી બહાર કાઢે છે. સાધકની દરેક પ્રકારની મુશ્કેલીઓ સામે ઝઝુમવાની પ્રેરણા અને શક્તિ આપે છે.

જો તમે આવી અનુભવ કરશો તો તમે કંઈક પ્રાપ્ત કરશો.  તો આવો-બેસો-અનુભવો.

આત્મજ્ઞાનના માર્ગે ...

આપણે ધ્યાનયોગના ફાયદા તો સમજ્યા, પરંતુ સાથે સાથે  આ પણ મહત્વની વાત છે કે સાધકો નિયમિત રૂપથી તેમની ધ્યાન સાધનાનો અભ્યાસ ચાલુ રાખે.

દૈનિક નિયમિત ધ્યાન કરવું ખરેખર તો નવા સાધકો માટે પડકારરૂપ થઈ શકે છે. રોજિંદા જીવનમાં આપણે નોકરી કે વ્યવસાયમાં વ્યસ્ત હોઈએ, ક્યારેક બીમાર પણ પડતા હોઇએ છતાં મહત્વનું એ છે કે રોજગાર, ધંધા અથવા સામાન્ય રોગોના નિયમિત પડકારો ઉપરાંત સાધકો ધ્યાનના દૈનિક અભ્યાસક્રમને જીવંત રાખે.  હકીકતમાં તો આ દૈનિક અભ્યાસ જ સાધકને શારીરિક અને માનસિક શુદ્ધિકરણની પ્રક્રિયામાં મદદરૂપ થશે, તેમજ શાંતિપૂર્ણ, સુખી અને સ્વસ્થ જીવન જીવવાની દિશામાં મદદ કરશે.

સિધ્ધ યોગ સાધન મંડળ પ્રેરિત ધ્યાનના આ અભ્યાસક્રમને જે કોઈ સાધકો નિયમિત રૂપથી કરવાની કોશિશ કરે છે તેમને ધીરે ધીરે કુંડલિનીના ચક્રોના સ્પંદનો અનુભવમાં આવતાં જાય છે અને સાધક મક્કમ ગતિથી આત્મ-સાક્ષાત્ત્કાર તરફ સહજ ગતિ કરે છે. આગળ જતાં તે આ સાધનાને સહજ ચાલુ રાખે ત્યાર બાદ તે પ્રાણ ચિકિત્સક તરીકે પણ સારી રીતે સેવા બજાવવા સક્ષમ બની જાય છે.

જે સાધકો ખરા અર્થમાં પ્રાણ ચિકિત્સક તરીકેની સેવા બજાવવાની ભાવના રાખતા હોય તેમણે નિયમિત દૈનિક ધ્યાન કરવું જરૂરી છે અને સાથે સાથે વર્ષમાં એકાદ કે બે વાર આવતી પ્રાણ ચિકિત્સાની પ્રગટ શિબિરમાં સ્વેચ્છાથી જોડાઈ અને પ્રાણ ચિકિત્સાનો અભ્યાસ અને પ્રયોગાત્મક પાસાઓને ગુરુજી વિશાલ ભાઈ પાસેથી પ્રત્યક્ષમાં સમજવા જોઈએ.

ધ્યાનયોગમાં સાક્ષી ભાવનું મહત્વ ...

આપણે ધ્યાનના ગૂઢ વિષયને વ્યવહારિક રીતે સમજવા માંગીએ છીએ ત્યારે સાધકો માટે કોઈ મહત્વની વાત હોય તો એ છે સાક્ષી ભાવ.

સામાન્યતઃ સાક્ષી એટલે નિરીક્ષક એવો અર્થ થાય છે. સાક્ષીનો આ અર્થ બાહ્ય આયામ અથવા તો આંખથી દેખાતી બાબતો માટે અથવા બીજા વ્યક્તિમત્વ માટેના નિરીક્ષણ માટે કરતો હોય છે.

ધ્યાનયોગના સંદર્ભમાં સાક્ષી ભાવ એટલે શું?

તેના જવાબમાં એમ કહી શકાય કે આપણે જાતે-પોતે જ આપણાં આંતરિક વિચારો અને મનોવૃત્તિના વ્યાપારને એકાંતમાં બેસી અને નિરીક્ષણ કરવું એટલે ખરો સાક્ષી ભાવ. શા માટે સાધકે આવી રીતે એકાંતમાં બેસીને પોતાના વિચારોનું નિરીક્ષણ કરવાનું કીધું છે? કારણ, જેમ સાધક એકાંતમાં બેસી વિચારોનું નિરીક્ષણ કરશે  તેને ધીરે ધીરે બે વિચારો વચ્ચનો ગાળો ધ્યાનમાં આવશે.  આ ગાળામાં જ “આત્મ-સાક્ષાત્ત્કાર” થવાની સંભાવના છે એમ પૂજ્ય વિભાકર દાદા સમજાવતાં હતા. તે રીતે સ સમજીએ તો સાધકો માટે તો આ સાક્ષી ભાવ એટલે ખુબ જ મહત્વના અભ્યાસનો મુદ્દો છે. જે સાધકો ધ્યાન યોગની સાધનામાં આગળ વધવા માંગે છે,  સાક્ષી ભાવ શું છે તેની વિસ્તૃત સમજ કેળવવા માટે સિદ્ધ યોગ સાધન મંડળ દ્વારા આયોજીત પ્રારંભિક શિબિરનો લાભ લેવાનું નમ્ર નિવેદન છે. શિબિરો વિષે વધુ માહિતી માટે અહીં જુઓ.

|| હરિ ૐ તત્સત ||