|| હરિ ૐ તત્સત ||

શક્તિપાત

શક્તિપાત એ આપણા જીવનની મહત્વની ઘટના છે. આપણા કેટલાય જન્મોના પુણ્ય પાક્યા હોય ત્યારે આપણને સિધ્ધ ગુરુ પ્રાપ્ત થાય અને તે આપણી ઉપર શક્તિપાત કરી આપણી સાધનાને ગતિ પ્રદાન કરે.

યોગશાસ્ત્ર પ્રમાણે આપણું સ્થુળ શરીર છે અને તેની સાથે બીજા છ શરીર છે. સ્થુળ દેહની ઉપર પ્રાણશરીર,સુક્ષ્મ શરીર, કારણ શરીર,મહાકારણશરીર,વિરાટ શરીર અને ચૈતન્ય શરીરના આવરણ છે. આપણે જે કુંડલિની શક્તિની વાત કરીએ છીએ તે કરોડરજ્જુના છેલ્લા મણકાની જગ્યાએ કંદ નામનું સ્થાન છે તેના ફરતે સાડા ત્રણ આંટા મારીને ચોથા કારણ શરીરમાં સ્થિત થયેલ છે.

સામાન્ય રીતે ભગવાને આપણને બધાને દોઢ વોટની બેટરી આપેલ છે.જેનાથી આપણે જીવનના બધાં જ કાર્ય કરતા હોઈએ છીએ. જે સાધના કરે છે તે આ કરંટનો વધારો કરી શકે છે.વધારેમાં વધારે આ કરંટ ૧૨ લોટની બેટરી જેટલો થાય છે. જેને શાસ્ત્રની ભાષામાં આત્મદર્શની કહેવાય છે.

જે મહાત્માની કુંડલિની શક્તિ જાગૃત થયેલ હોય અને પોતે કારણ શરીર સુધી પહોંચેલ હોય એટલે કે જે સતત સાક્ષી ભાવમાં – નિર્વિચાર સ્થિતિ માં રમણ કરતા હોય,આત્મદર્શની હોય તે શક્તિપાત કરવાના અધિકારી છે. આવા મહાત્મા કે સિધ્ધપુરુષ શક્તિપાત કરે છે ત્યારે જ સાધક પણ સિધ્ધ ગતિ તરફ પ્રયાણ કરે છે. બાકી તો હાલ તો પ્રાણ શરીરનો થોડો અનુભવ હોય તેવા સાધકો શક્તિપાત કરતા થઈ જતાં હોય છે.

યોગશાસ્ત્ર એમ પણ કહે છે કે આપણી કરોડરજ્જુમાં સાત ચક્રો છે. મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણીપુર,અનાહત, વિશુધ્ધ,આજ્ઞા અને સહસ્ત્રાર.
કંદ નામના સ્થાનથી કુંડલિની શક્તિને જાગૃત કરી એક એક ચક્રનું ભેદન કરી સહસ્ત્રાર માં સ્થિત કરવાની છે.

તમે કોઈપણ પ્રકારની સાધના કરતા હો પાઠ,પુજા,મંત્ર વિગેરે તેનાથી કુંડલિની શક્તિ જાગૃત થાય છે,પણ તે આજ્ઞાચક્ર સુધી આવી અટકી જાય છે. પછી આગળ નથી વધી શકતી. કંદ નામના સ્થાનથી આજ્ઞાચક્ર સુધી વાયરીંગ છે અને તેના સહારે શક્તિ આજ્ઞાચક્ર સુધી પહોંચી શકે છે.પરંતુ આગળ ખાલી જગ્યા છે. જેને શાસ્ત્રકારોએ ભવસાગર ગેપ કે ગુરુભેદ કહેલ છે. આ જગ્યાને કેવળ સિધ્ધ ગુરુ જ પોતાના પ્રાણશક્તિ ના પ્રવાહથી ભરી દે છે.જેમ ડાયનેમોમાં વીજપ્રવાહ વહે છે તેમ જ ગુરુશક્તિ કે ગુરુનો પ્રાણ પ્રવાહ આ ગેપને ભરી વીજસર્કીટ પુર્ણ કરે છે અને કુંડલિની શક્તિ નો માર્ગ મોકળો કરે છે. માટે જ કહેવાયું છે કે ગુરુ કૃપા હી કેવલમ્.

જ્યારે આ ઘટના બનતી હોય છે ત્યારે જો શિષ્ય તૈયાર હોય એટલે કે તેણે સાધના જનિત શક્તિ અર્જીત કરેલ હોય તો તેને અલભ્ય અનુભવો થાય છે.જેમ કે હસવું, રડવું,દેવદેવીના દર્શન થવા, આસનો થવા,કંપન,ડોલન વિગેરે અને શરીરમાં ચેતનાની ગતિનો સંચાર અનુભવે છે. જો સાધક પુર્ણ પણે તૈયાર ન હોય તો ગુરુ તેના સાતે શરીરની અશુદ્ધિ -મન અને શરીરના રોગ- દૂર કરે છે અને કુંડલિની શક્તિનો માર્ગ સાફ કરી ઉપર ચઢવામાં સુગમતા કરી આપે છે.

આધ્યાત્મિક જગતમાં એટલે જ ગુરુનું મહત્વ ખૂબ જ છે અને કબીરે તો ત્યાં સુધી કહેલ છે

ગુરુ ગોવિંદ દોઉ ખડે,કાકે લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો બતાય.

સિધ્ધ ગુરુના શક્તિપાતથી શિષ્યની દિશા બદલાઈ જાય છે. તેના જીવનમાં સહજતા,સરળતા અને સમર્પણ આવે છે.તેના જીવનમાં સુખ અને સફળતા સહેલાઈથી પ્રાપ્ત થાય છે.તેના વ્યક્તિત્વમાં એક અનોખો નિખાર આવે છે.

આવા સિધ્ધ પુરુષ આપણા જીવનમાં જો આવી જાય તો તેના પગ પકડી લેવા અને જીવનપર્યંત તેની સમીપ રહેવું.

|| હરિ ૐ તત્સત ||