|| હરિ ૐ તત્સત ||

મૌન

હરિ ૐ તત્સત

મૌન સહજ છે સરળ છે. આપણે કોઈપણ પ્રકારની સાધના કરતા હોઈએ પણ, મૌન તેનો અંતિમ છોર છે.

દરેક ધર્મ અને સંપ્રદાયનો સાર કાઢીએ તો તેનું અંતિમ પગથિયું મૌન છે.બીજા શબ્દોમાં કહીએ તો મૌન એટલે નિર્વિચાર સ્થિતિ. તમે મંત્ર,પુજા,પાઠ કે ધ્યાન કરો છો તે મૌન થવા માટે જ કરો છો. આ આપણા શાસ્ત્રકારોએ શોધેલી વિધિ છે. જ્યારે તમે નિર્વિચાર સ્થિતિ એ પહોંચો ત્યારે રાગ-દ્વેષ શુન્ય થઈ ગયા હોય છે અથવા રાગ-દ્વેષ શુન્ય થાય એટલે તમે મૌનની સ્થિતિ હાંસલ કરેલ હોય છે. તે સમયે તમે સમત્વ ભાવમાં છો. તમને કોઈ પ્રત્યે મમત્વ નથી કે કોઈના પ્રત્યે ધિક્કાર નથી અને તે વખતે તમે પરિસ્થિતિનું સાચુ મૂલ્યાંકન કરો છો. આ વખતે લીધેલ નિર્ણય સૌથી સચોટ છે. આમ તમારી નિર્ણયશક્તિ વધારે અને વધારે દ્રઢ થાય છે.

સામાન્ય રીતે મન દરેક વસ્તુ કે સ્થિતિના ટુકડા કરી જોવા ટેવાયેલ હોય છે.જેથી સહજ રીતે મમત્વ કે દ્વેષ ભાવ આવી જાય છે‌. આથી તેનામાં મારૂ-તારૂ,આપણા-પારકા,અંદર-બહાર પેદા થાય છે. હકીકતમાં વિશ્વ ચૈતન્ય માં આવું નથી. ચેતના તો સમગ્ર છે અને તેનામાં કોઈ ભાગલા નથી. જે વ્યક્તિ આત્મદર્શની છે,આત્મસાક્ષાત્કારી છે તેને મન તો સર્વ સમાન છે. દરેક સ્થળ,કાળ કે પરિસ્થિતિમાં તે નિર્લેપ,નિસંગ છે. તેનામાં કોઈ ભાગ નથી એટલે કોઈ વાદ કે વિવાદ નથી.

બીજું, વાચા તમને ચંચળ બનાવે છે.તમારા આત્મ-તત્વથી દૂર રાખે છે.જ્યારે મૌનની પરિસ્થિતિ તમને તમારા આંતરિક જગતની ઓળખાણ કરાવે છે.તમને પરમ શાંતિ પ્રદાન કરે છે.તમને પરિસ્થિતિ પામી અને નિર્ણય કરવા સક્ષમ બનાવે છે. તમને માનસિક રીતે સક્ષમ બનાવે છે. મન સાબુત રાખે છે.તમારા ષડ્ રિપુ પર કાબુ રાખે છે જેથી તમે ગમે તે ક્ષણે,ગમે તે પળે તમને નથી વિહ્વળ બનાવતું નથી તમને અતિ ઉત્સાહી બનાવતું.તમે ધૈર્યશીલ અડગ રહો છો.

આમ મૌન તમારા મનોવ્યાપારને ઢીલો કરી આંતરીક અને બાહ્ય જગતનો સચોટ પરિચય કરાવે છે.

વળી આજના જે કોઈ રોગ છે તે માનસિક છે.તમારા સ્વભાવ અને સામાજીક વિડંબણાઓને કારણે છે.જો મન શાંત અને સ્થિર થાય તો શરીરના એક એક અંગોને પણ શાંતિ પ્રદાન થાય અને મનની આંતરિક સંરચના અને કાર્ય પધ્ધતિ જ એવી છે કે જેવું તે શાંત ભાવને ગ્રહણ કરે છે ત્યારે તે આપોઆપ જ્યાં જરુર છે ત્યાં દુરસ્તી (રીપેરીંગ) કરે છે‌

પણ આ બધું કરવા માટે ખરી જરીર છે મૌન શિબિર કરવાની.જે માટે ઓછામાં ઓછાં દસ દિવસનો સમય કાઢવો પડે.આ શિબિર પછી જ્યારે બહારની દુનિયામાં જાવ ત્યારે તમે નવા વ્યક્તિત્વ સાથે જાવ છો.તમે જોઈ શકશો કે તમારી કાર્ય પધ્ધતિમાં આમૂલ પરિવર્તન થયેલ હશે. નવું જોમ અને જુસ્સો ભળેલ હશે. વધારે ગતિશીલ કાર્ય કરવા માટે શરીર અને મન બન્ને તમને સંપૂર્ણ સહકાર આપશે.

હરિ ૐ તત્સત

|| હરિ ૐ તત્સત ||